વહેલાલ તીર્થ જિનાલય ઇતિહાસ:
વહેલાલ તીર્થ અમદાવાદ-દહેગામ રોડ ઉપર ૨૧ કિ.મી.ના અંતરે આવેલ છે. અત્યંત પ્રગટ પ્રભાવી પદ્માવતી માતાજી નરોડાથી ફક્ત ૧૪ કિ.મી. દૂર છે.
વહેલાલ ગામમાં સહુ પ્રથમ દેરાસર સંવત ૧૮૮૦ અને ઇ.સ.૧૮૨૪ માં એક ઓરડીરૂપે હાલના જિનાલયની પડખેના બગીચામાં બાંધવામાં આવેલ. ત્યારપછી સંવત ૧૯૫૧ અને ઇ.સ.૧૮૯૭ માં તેને અત્યારના સ્થળે નવેસરથી ઇંટ-ચુનામાં ઘુમટવાળું જિનાલય બનાવવામાં આવેલ અને મૂળ પ્રાચીન પ્રતિમાજી મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાન જમણી બાજુ શ્રી પદ્મપ્રભુ અને ડાબી બાજુ શ્રી નેમિનાથ પ્રભુજીને પ્રતિષ્ઠિત કરવામાં આવેલ. ૧૦૦ થી વધુ વર્ષ પ્રાચીન જિનાલય હોવાથી તીર્થ સ્વરૂપ જિનાલય ર્જીણ થવાથી સંવત ઈ.સ.૨૦૦૨ માં શાસન પ્રભાવક આ.ભ.શાંતિચંદ્રસૂરી સમુદાયના પ.પૂ.આ.ભ. શ્રી સોમસુંદરસૂરીશ્ર્વરજી મ.સા.ના પાવન આશીર્વાદ તથા પૂજ્યપાદ પં. પ્રવરશ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. મુનિ ભગવંત શ્રી હંસબોધીવિજય મ.સા. તથા શ્રી વિમલહંસવિજયજી મ.સા.ની માર્ગદર્શનથી પરમાત્માનું ઉત્થાપન કર્યા સિવાય જિર્ણોદ્ધાર કરી શિખરબંધી જિનાલયનું નિર્માણ થયેલ.
જિર્ણોદ્ધાર થયેલ જિનાલયમાં બાજુમાં રહેતા શ્રી અમરતલાલ ચીમનલાલ તરફથી જિનાલયના વિસ્તૃતીકરણ માટે પોતાની જગ્યામાંથી જરૂરી જગ્યા શ્રીસંઘને ભેટ સ્વરૂપે આપેલ જે જગ્યામાં શ્રીસંઘ તરફથી રાજરાજેશ્ર્વરી પદ્માવતી માતા-અધિષ્ઠાયક દેવશ્રી માણીભદ્રવીરની નૂતન દેઓ બનાવી તેમજ જિનાલયનું રંગમંડપમાં બે ગોખલા નવા બનાવી સિદ્ધચક્રજી યંત્ર તથા ગુરુ ગૌતમસ્વામીની સ્થાપના કરવામાં આવી.
તા.૮.૫.૨૦૦૩ ના શુભદિવસે ગૌતમસ્વામી, પદ્માવતી માતા, શ્રી માણીભદ્રવીર અને નૂતન શિખર ઉપર ધજાદંડની પ્રતિષ્ઠા ખૂબ જ ઉલ્લાસપૂર્વક પ.પૂ. મુનિરાજ શ્રી હંસબોધીવિજય મ.સા. તથા મુનિશ્રી વિમલહંસવિજય મ.સા.ની નિશ્રામાં તા.૮.૫.૨૦૦૨ ના શુભદિવસે ગુરુ ગૌતમસ્વામી, શ્રી પદ્માવતી દેવી, શ્રી માણિભદ્રવીર અને નૂતન નિર્મિત શિખર ઉપર ધજાદંડ-કળશની પ્રતિષ્ઠા ખૂબ જ ઉલ્લાસપૂર્વક શ્રીસંઘ દ્વારા કરવામાં આવેલ.
જિર્ણોદ્ધાર થયેલ જિનાલય બંસીપહાડપુરના ગુલાબી પત્થરમાંથી બનાવેલ છે. જિનાલયના મંડોવરમાં ખૂબ જ સુંદર મૂર્તિકામ કરવામાં આવેલ છે. જિનાલય ચોકની છતમાં મૂર્તિકામ આબુ-દેલવાડાની યાદ અપાવે છે. શત્રુંજય-ગિરીરાજનો ૧૮.૦ X ૧૦.૦ સાઇઝનો પેઇન્ટીંગ કરેલ પટ સાક્ષાત શત્રુંજયના દર્શન કરતા હોય એવો અહેસાસ કરાવે છે. બાજુમાં જ આરસમાં અષ્ટાપદ પટ બનાવેલ છે.
તીર્થ સ્વરૂપ જિનાલયના ફોટોગ્રાફ અહીં મુકવામાં આવેલ છે જે જોયા પછી વહેલાલ તીર્થના દર્શન કરવાના અચૂક ભાવ જાગશે.
તીર્થ પ્રગતિના પંથે .
તીર્થને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા શ્રીસંઘ તરફથી દર માસે પૂનમ પછીના રવિવારે સ્નાત્ર મહોત્સવ યોજવામાં આવે છે. જેમાંથી ૧૫૦ થી ૨૦૦ ની સંખ્યામાં ઉલ્લાસપૂર્વક ભક્તિ કરવામાં આવે છે. લાભાર્થી તરફથી સ્વામીવાત્સલ્યનો લાભ લેવામાં આવે છે.
દર વર્ષે ચૈત્ર માસની શાશ્ર્વતી ઓળી કરાવવામાં આવે છે જેમાં ૧૦૦ જેટલા આરાધકો વહેલાલ તીર્થમાં રહીને ઓળીની આરાધના કરે છે.
તીર્થની સાલગીરી :
મહા સુદ પૂનમ દાદાની સાલગીરીનો દિવસ છે. દર વર્ષ આશરે 400 જેટલા વહેલાલના સભ્યો દ્વારા સાલગીરી ખૂબ જ ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવે છે.
મૂળ ધજાના લાભ બોલી બોલાવીને આપવામાં આવે છે.
ઉપાશ્રય :
વહેલાલ તીર્થ અમદાવાદથી કપડવંજના વિહારના રસ્તે આવેલ હોવાથી પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતના વિહારનો પણ લાભ મળતો હોવાથી પૂ. સાધુ ભગવંત અને પૂ. સાધ્વીજી ભગવંત માટે બે ઉપાશ્રય પણ બનાવવામાં આવેલ છે.
આવાસ વ્યવસ્થા :
વહેલાલ તીર્થમાં દર મહીને સ્નાત્ર મહોત્સવ-સાલગીરી તથા ચૈત્ર માસની ઓળીના પ્રસંગે પધારતા સભ્યો માટે ૮ રૂમ તથા ૨ હૉલ પણ બનાવવામાં આવેલ છે.